Wednesday 22 November 2017

🔥 *પ્રાચીન ગુજરાત (Ancient Gujarat)*

🔥 *પ્રાચીન ગુજરાત (Ancient Gujarat)*

📌 *Most off પરીક્ષા માં ગુજરાતનો ઈતિહાસ તો જરૂર આવે છે, તો આજે આપણે ગુજરાત નો પ્રાચીન ઈતિહાસ જોઈશું.*

🎯 *પ્રાગૈતિહાસિક યુગ :*
    *( Prehistoric era )*

💁🏻‍♂પુરાતત્વવિદોના સંશોધન પરથી અનુમાન કરી શકાય કે ભારતના કેટલાક પ્રદેશોની માફક ગુજરાતના કેટલાક પ્રદેશોનું માનવજીવન પણ પ્રાચીન પાષણ યુગ, મધ્ય પાષણ યુગ અને નુતન પાષણ યુગમાંથી પસાર થયું હશે. સાબરમતી, મહી, રેવા (નર્મદા), મેશ્વો, માઝમ, વિશ્વામિત્રી, સરસ્વતી, બનાસ, ભોગાવો, ભાદર વગેરે નદીઓના પ્રદેશો તથા કોતરોમાંથી પ્રાગૈતિહાસિક કાળના સ્થળો અને અવશેષો પ્રાપ્ત થયા છે. ધાતુ યુગમાં ગુજરાતના પ્રદેશોમાં ખેતી સાથે ઉદ્યોગોનો અને ગામડાની સાથે શહેરોનો વિકાસ થયો હતો. સોમનાથ પાટણ, લોથલ, ભૃગુકચ્છ, સ્તંભતીર્થ, સોપારા વગેરે બંદરો મારફતે પરરાજ્યો સાથેનો વેપાર ચાલતો હતો. રંગપુર (જી. સુરેન્દ્રનગર), લોથલ (જી. અમદાવાદ), કોટ અને પેઢામલી (જી. મહેસાણા), લાખાબાવળ અને આમરા (જી. જામનગર), રોજડી (જી. રાજકોટ), ધોળાવીરા (જી. કચ્છ), સોમનાથ પાટણ (જી. ગીર સોમનાથ), ભરૂચ તથા સુરત જિલ્લાઓમાંથી મળેલા હડપ્પા અને મોન્હે-જો-દડોની સંસ્કૃતિના અવશેષો આ હકીકતની સાક્ષી પૂરે છે.

👑 *મહાભારત યુગ* 👑

💁🏻‍♂કાળક્રમ પ્રમાણે નૂતન પાષાણ યુગ તથા સંસ્કૃતિ યુગ પછી વૈદિક યુગ આવે; પરંતુ વૈદિક સાહિત્યમાં ગુજરાત પ્રદેશોનો કોઈ ઉલ્લેખ મળતો નથી, મહાભારત કાળમાં જુદા જુદા અનેક રાજ્યો હોવાનો પૌરાણિક સાહિત્યમાં ઉલ્લેખ છે. શર્યાતી ના પુત્ર આનર્તે સૌરાષ્ટ્ર તથા ગુજરાતના ઉતારના ભાગો પર રાજ્ય સ્થાપ્યું અને તે પ્રદેશ *‘આનર્ત’* કહેવાયો.

💁🏻‍♂જરાસંધ અને શિશુપાલના ત્રાસથી કંટાળીને શ્રીકૃષ્ણની આગેવાની હેઠળ યાદવો સૌરાષ્ટ્રમાં સ્થળાંતર કરી ગયા. આનર્તનો પુત્ર રૈવત યાદવોની સામે પરાજિત થયો. શ્રીકૃષ્ણે કૂથસ્થળી પાસે નવું નગર દ્વારાવતી (હાલનું બેટ દ્વારકા) વસાવીને ત્યાં પોતાની રાજધાની સ્થાપી. ઈ.સ.પૂર્વે ૧૪ મી સદીમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં યાદવસતા અગ્રસ્થાને હતી. યાદવોના અસ્ત બાદ સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં ક્યાં રાજકુળોની સતા સ્થપાઈ તે સંબંધે કોઈ પુરાવાઓ પ્રાપ્ત થયા નથી.

👑 *મૌર્ય યુગ* 👑

💁🏻‍♂ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી શરુ થાય છે. ઈ.સ. પૂર્વે ૩૧૯ માં ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રદેશો મગધ રાજા ચંદ્રગુપ્તના આધિપત્ય નીચે આવતા હતા. ચંદ્રગુપ્તના સૌરાષ્ટ્રના સૂબા પુષ્પગુપ્તે ગિરિનગર (જુનાગઢ) અને તેની આસપાસના પ્રદેશોમાં ખેતીને ઉતેજન આપવા ‘સુદર્શન’ નામે જળાશય બંધાવ્યું હતું, એવો ઉલ્લેખ અશોકના ગીરનાર પર્વત પાસેના શિલાલેખમાં છે. મૌર્ય યુગમાં ચંદ્રગુપ્ત મૌર્ય અને તેનો પૌત્ર સમ્રાટ અશોક તથા તેનો પૌત્ર સંપ્રતીનું શાસન ગુજરાતમાં હતું, એવું જૈન અનુશ્રુતિ પરથી માલુમ પડે છે.

👑 *અનુ-મૌર્ય યુગ* 👑

💁🏻‍♂મૌર્ય યુગ શાસનના પતન બાદ ગુજરાતમાં કોઈ પ્રબળ શાસન નહોતું. ઈસુના જન્મ પછી ચાર સદી સુધી ક્ષત્રપોનું આધિપત્ય રહ્યું. ગીરનાર પાસેના શિલાલેખના વિવરણ પ્રમાણે ક્ષત્રપોમાં રુદ્રદામા શ્રેષ્ટ રાજવી હતો. છેલ્લા ક્ષત્રપ રાજા રુદ્રસિંહ ત્રીજાને ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ પરાજય આપી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ક્ષત્રપ સત્તાનો અંત આણ્યો.

👑 *ગુપ્ત યુગ* 👑

💁🏻‍♂ઈ.સ. ૪૦૦ ની આસપાસ ચંદ્રગુપ્ત બીજાએ સૌરાષ્ટ્ર, ગુજરાત તથા માળવા જીત્ય હોવાનું તેમના સિક્કાઓ તથા લેખો પરથી સિદ્ધ થાય છે. આ પ્રદેશોમાંથી ચંદ્રગુપ્ત બીજા, કુમાંર્ગુપ્ત તથા સ્કંદગુપ્તના સોનાના તથા ચાંદીના સિક્કાઓ મળ્યા છે. ઈ.સ. ૪૫૫ માં સ્કંદગુપ્તના સૂબાએ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલું સુદર્શન તળાવ ફરી બંધાવ્યું હતું. ગુપ્ત યુગ દરમિયાન વૈષ્ણવ ધર્મનો પ્રચાર થયો હતો.

👑 *મૈત્રક યુગ* 👑

💁🏻‍♂ગુપ્ત સામ્રાજ્યની પડતી થતા ગુપ્ત રાજાના સૂબા મૈત્રક વંશના ભટ્ટાર્કે ઈ.સ. ૪૭૦ માં વલભીપુરમાં ગુજરાતની સ્વતંત્ર સત્તા સ્થાપી હતી. આ વંશનો કુળધર્મ શૈવ હતો. મૈત્રક વંશનો બીજો પ્રતાપી રાજા ગૃહ્સેન (ઈ.સ. ૫૫૩ થી ૫૬૯) હતો. તેના દાનપત્રોની પ્રશસ્તિ પરથી જણાય છે કે ગૃહ્સેન પ્રજાપ્રિય શાસક હતો. આ વંશનો શિલાદિત્ય પહેલો (ઈ.સ. ૫૯૦ થી ૬૧૫) ‘ધર્માંદીત્ય’ તરીકે ઓળખાયો. ધ્રુવસેન બીજા (ઈ.સ. ૬૨૭ થી ૬૪૩) માં સમયમાં ચીની યાત્રાળુ યુએન સંગે ઈ.સ. ૬૪૦ માં ગુજરાતની મુલાકાત લીધી હતી. ધ્રુવસેન બીજાના પુત્ર ધરસેન ચોથા (ઈ.સ. ૬૪૩ થી ૬૫૦) એ ‘મહારાજાધિરાજ’ અને ‘ચક્રવતી’ના બિરુદ ધારણ કર્યા હતા. મૈત્રકોની સત્તા સમસ્ત સૌરાષ્ટ્ર ઉપરાંત ઉતર અને મધ્ય ગુજરાત પર પ્રવર્તતી હતી. વલભીપુરમાં અને બૌદ્ધ વિહારો હતા. ‘વલભી વિદ્યાપીઠ’ ની ગણના નાલંદા વિદ્યાપીઠની હરોળમાં થતી હતી. ઈ.સ. ૭૮૮ માં આરબ આક્રમણોએ મૈત્રક શાસનનો અંત આણ્યો. ઈ.સ. ૭૮૮ થી ૯૪૨ સુધી ગુજરાતમાં કોઈ સર્વોપરી સત્તા નું શાસન પ્રવર્તતું નહોતું.

🤹‍♂ *મૈત્રકોના સમકાલીન રાજ્યો*

💁🏻‍♂સૌરાષ્ટ્રમાં ગારુલક વંશ (પાટનગર: ઢાંક) અને સૈન્ધવ વંશ (પાટનગર:ધૂમલી) ના રાજવીઓનું શાસન હતું. દક્ષીણ ગુજરાતમાં ત્રૈકૂટકો (અપરાન્ત પ્રદેશ), કટચ્યુરીઓ (ભૃગુકચ્છ), ગુર્જર નૃપતિઓ (નાન્દીપુર), ચાહમાનો (અંકલેશ્વર), સેન્દ્રકો (તાપી તટ) અને ચાલુક્યો (નવસારી) નું શાસન હતું.

👑 *અનુ-મૈત્રક યુગ* 👑

💁🏻‍♂ઈ.સ. ૭૪૬ થી ૯૪૨ સુધી ઉતર ગુજરાતના પ્રદેશોમાં ચાવડા વંશનું શાસન હતું. તેમની રાજધાની પંચાસર (રાઘનપુર પાસેનું એક ગામ) માં હતી. ઉતર ગુજરાત ના કેટલાક ભાગો પર લગભગ ૨૦૦ વર્ષ સુધી ગુર્જરપ્રતીહારો નું શાસન હતું. ભિલ્લમાલ (આબુની વાયવ્યમાં આવેલું હાલનું ભીનમાલ) તેમની રાજધાની હતી. આ જ સમયમાં દક્ષીણ ભારત અને દક્ષીણ ગુજરાતમાં વડોદરા થી વલસાડ સુધી રાષ્ટ્રકૂટનું (ઈ.સ. ૭૫૦ થી ૯૭૨) સામ્રાજ્ય હતું. તેમની રાજધાની માન્યખેટ (નાશિક)માં હતી. આ સમયગાળામાં જ ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા માટે વતન ત્યજી સંજાણમાં આવીને વસ્યા હતા; તેઓ ‘પારસીઓ’ તરીકે જાણીતા થયા.

👑 *સોલંકી યુગ* 👑

💁🏻‍♂સોલંકી યુગ ગુજરાતનો સુવર્ણ યુગ ગણાય છે. ચૌલુક્ય (સોલંકી) કુળના મૂળરાજે ઈ.સ. ૯૪૨ માં અણહિલપુર પાટણના ચાવડા વંશની સત્તાનું ઉન્મૂલન કરી પોતાની રાજસત્તા સ્થાપી. મુળરાજ સોલંકી (ઈ.સ. ૯૪૨ થી ૯૯૭) કચ્છ, સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત તથા ખેડા સુધીનો પ્રદેશનો સાર્વભૌમ શાસક બન્યો હતો. મુળરાજ સોલંકીએ સિદ્ધપુરમાં રૂદ્રમહાલય બંધાવ્યો હતો. ભીમદેવ પહેલા (ઈ.સ. ૧૦૨૨ થી ૧૦૬૪)ના સમયમાં સુલતાન મહમૂદ ગઝનવીએ ઈ.સ. ૧૦૨૬ ની ૭ મી જાન્યુઆરી ના રોજ સોમનાથ મંદિર લુંટ્યું હતું. ત્યાં ભીમદેવે ઈ.સ. ૧૦૨૭ માં પથ્થરનું નવું મંદિર બનાવ્યું. મોઢેરાનું વિખ્યાત સૂર્યમંદિર પણ ભીમદેવના શાસનકાળ દરમિયાન બંધાયું હતું. ભીમદેવે વિમલમંત્રીને આબુનો દંડનાયક નીમ્યો હતો. તેણે ત્યાં આદીનાથનું આરસનું મંદિર બનાવ્યું હતું. કર્ણદેવે (ઈ.સ. ૧૦૬૪ થી ૧૦૯૪) નવસારી પ્રદેશ પર પોતાની આણ વર્તાવી હતી. તેણે આશાપલ્લી જીતી કર્ણાવતી નગર વસાવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહ (ઈ.સ. ૧૦૯૪ થી ૧૧૪૩) સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુત્સદ્દી રાજા હતો. સિદ્ધરાજે જુનાગઢના રાજા રા’ખેંગારને હરાવ્યો હતો અને માળવાના રાજા યશોવર્માને હરાવી ‘અવન્તીનાથ’ નું બિરુદ ધારણ કર્યું હતું. તેનું સામ્રાજ્ય સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દક્ષિણમાં ખંભાત, ભરૂચ અને લાટનો પ્રદેશ તથા રાજસ્થાન ના કેટલાક ભાગો સુધી વિસ્તરેલું હતું. સિદ્ધરાજે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું અને સિદ્ધપુરના રૂદ્રમહાલય નો જીર્ણોદ્વાર કરાવ્યો હતો. તેણે હેમચંદ્રાચાર્ય ને ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’ નામનો વ્યાકરણનો ગ્રંથ લખવાની પ્રેરણા આપી હતી.

💁🏻‍♂ગુજરાતની અસ્મિતાની વૃદ્ધિ કરનાર કુમારપાળ (ઈ.સ. ૧૧૪૩ થી ૧૧૭૩) લોકપ્રિય અને આદર્શ રાજા હતો. તેણે અજમેરના રાજા અર્ણોરાજ અને કોંકણ ના રાજા મલ્લિકાર્જુન ને પરાજય આપ્યો હતો. કુમારપાળ જૈન ધર્મ પ્રત્યે પ્રીતિ રાખતો હતો.

💁🏻‍♂ભીમદેવ બીજાએ (ઈ.સ. ૧૧૭૮ થી ૧૨૪૨) લગભગ ૬૩ વર્ષ રાજ્ય કર્યું. તે નિર્બળ રાજા હતો. તેના સમયમાં સોલંકી વંશનો અંત અને વાઘેલા વંશની શરૂઆત થઇ. ધોળકાના રાણા વીરધવલ અને મહામાત્ય વસ્તુપાલ તથા તેજપાલે સોલંકી રાજ્યના રક્ષણમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ઈ.સ. ૧૨૪૪ માં ત્રિભુવનપાળનું અવસાન થતા સોલંકી વંશની સત્તા અસ્ત પામી.

👑 *વાઘેલા – સોલંકી યુગ* 👑

💁🏻‍♂ઈ.સ. ૧૨૪૪ માં ધોળકાના મહામંડલેશ્વર વિસલદેવે (ઈ.સ. ૧૨૪૪ થી ૧૨૬૨) પાટણની ગાદી મેળવી. તેણે મેવાડ અને કર્ણાટક ના રાજાઓ સાથે યુદ્ધો કર્યા હતા. આ વંશનો કર્ણદેવ (ઈ.સ. ૧૨૯૬ થી ૧૩૦૪) ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા હતો. કર્ણદેવ નો મહામાત્ય માધવ મુસલમાનોને ગુજરાત પર ચઢાઈ કરવા બોલાવી લાવ્યો હતો. અલાઉદ્દીન ખીલજીના હુકમથી ઉલુંઘખાન અને નસરતખાને ગુજરાત પર ચડાઈ કરી અને અણહિલપુર મુસ્લિમ શાસકોના હાથમાં આવ્યું.

⬛◽⬛◽⬛◽⬛◽⬛◽⬛
💁🏻‍♂ *Edited By* 👇🏿
👨🏻‍🎤🌞 *પૃથ્વીરાજસિંહ ચૌહાણ* 🌞👨🏻‍🎤

💭♥🌏 *જ્ઞાન કી દુનિયા* 🌏♥💭

No comments:

Post a Comment